ગાંધીનગર, તા. 13 સપ્ટેમ્બર 2026: ગાંધીનગર ખાતે રવિવારના રોજ બામસેફ સંગઠન દ્વારા સામાજિક જાગૃતિની ચળવળ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓમાં સામૂહિક સમાજજીવન, સંગઠનાત્મક સમજ અને ફુલે-આંબેડકરી આંદોલન અંગે બૌદ્ધિક સમજ વિકસે તેમજ વ્યવસ્થા પરિવર્તનની મુહિમમાં તેઓ સક્રિય રીતે સહભાગી બની શકે તેવા હેતુથી આ શિબિર યોજાઈ હતી.
બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ મૂળનિવાસી સંજય મોહિતેના નેતૃત્વ હેઠળ સંગઠનાત્મક શક્તિના વિકાસ અને વિસ્તાર માટેની રાષ્ટ્રીય રણનીતિ અનુસાર સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ખાતે પણ કાર્યકર્તાઓ માટે આ શિબિર યોજાઈ હતી.
કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત
શિબિરની શરૂઆતમાં મૂળનિવાસી રિતેશ સિસોદિયા, ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૂળનિવાસી કિરણ જોગડીયા, પ્રદેશ અધ્યક્ષ, બામસેફ ગુજરાત રાજ્ય, ઉપસ્થિત રહી સંગઠનની રચના, સંગઠનાત્મક કામગીરી અને વિવિધ પ્રવૃત્તિઓ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
સંગઠનાત્મક અને ઐતિહાસિક વિષયો પર માર્ગદર્શન

શિબિરના મુખ્ય પ્રશિક્ષક તરીકે મૂળનિવાસી નારણ વાઘેલા, જનરલ સેક્રેટરી, બામસેફ ગુજરાત દ્વારા કાર્યકર્તાઓને સંગઠનાત્મક તેમજ ઐતિહાસિક વિષયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તેમણે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં સમયાંતરે અનેક મહાપુરુષોએ અસમાનતાવાળી સામાજિક વ્યવસ્થાના વિરોધમાં આંદોલનો ચલાવીને સમતામૂલક સમાજવ્યવસ્થાના નિર્માણ માટે સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષોના પરિણામે સમાજના વિવિધ વર્ગોને અનેક હક્કો અને અધિકારો પ્રાપ્ત થયા છે.
તેમણે વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં બંધારણીય અધિકારો અંગે જાગૃતિ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ મૂળનિવાસી બહુજન સમાજમાં સામાજિક એકતા, સંગઠનાત્મક શક્તિ અને જાગૃતિને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા અંગે કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી હતી.
શિબિર દરમિયાન સંગઠનની આવશ્યકતા, કાર્યકર્તાઓની ભૂમિકા, સંગઠનના વિસ્તરણની પદ્ધતિ તેમજ સામાજિક જાગૃતિની ચળવળને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યકર્તાઓના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ

શિબિરમાં મૂળનિવાસી મનુભાઈ ચૌહાણ, સંવિધાન પ્રબોધક દ્વારા કાર્યકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ ગંભીર પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપવામાં આવ્યા હતા. તેમણે બંધારણ, સામાજિક જાગૃતિ અને સંગઠનાત્મક જવાબદારી અંગે સમજ આપીને કાર્યકર્તાઓનું મનોબળ મજબૂત કરવા માટે માર્ગદર્શન કર્યું હતું.
સાથે જ સામાજિક જાગૃતિની ચળવળને વધુ વ્યાપક બનાવવાની અને વ્યવસ્થા પરિવર્તનની મુહિમમાં કાર્યકર્તાઓ સક્રિયપણે જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
આભારવિધિ સાથે શિબિર પૂર્ણ
શિબિરના અંતે મીનાબેન મકવાણા દ્વારા ઉપસ્થિત મહેમાનો, પ્રશિક્ષકો તથા તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિબિર પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રશિક્ષણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓમાં સામાજિક જાગૃતિ, સંગઠનાત્મક સમજ, ઐતિહાસિક દૃષ્ટિકોણ અને સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો.
અહેવાલ લેખન:
રિતેશ સિસોદિયા
જિલ્લા પ્રમુખ, બામસેફ ગાંધીનગર

The
Hy