ચંદુભાઈ મહેરિયાની ‘કેફિયત-લેખનસફર’

1
122

ચંદુભાઈ મહેરિયાની ‘કેફિયત-લેખનસફર’ : દલિત સાહિત્ય અને સમાજચિંતનની પ્રતિબદ્ધ યાત્રાનો દસ્તાવેજ

‘સવાયા દલિત સાહિત્યકાર’ તરીકે જાણીતા ગુજરાતના અગ્રણી સાહિત્યકાર શ્રી પ્રવીણ ગઢવીની દલિત સાહિત્ય પ્રત્યેની આજીવન પ્રતિબદ્ધતાને સન્માન આપવા માટે કાર્યરત ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર’ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન દલિત સાહિત્યને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના એક મહત્વપૂર્ણ કાર્યક્રમ રૂપે ગાંધીનગરના અગ્રણી લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ સાહિત્યકાર શ્રી ચંદુભાઈ મહેરિયાની ‘કેફિયત-લેખનસફર’ વિષયક વિશેષ વ્યાખ્યાનસભા તા. 7 જૂન, 2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગરના સમિતિખંડ ખાતે યોજાઈ હતી..

કાર્યક્રમનો પ્રારંભ લેખક-પત્રકાર નટુભાઈ પરમારે કર્યો હતો. તેમણે કાર્યક્રમની ઉદ્દેશિકા રજૂ કરતાં ચંદુભાઈ મહેરિયાના વ્યક્તિત્વ અને કૃતિત્વનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ ચંદુભાઈ મહેરિયાને શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી પ્રવીણ શ્રીમાળીએ આભારદર્શન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાની સુદીર્ઘ અને સંઘર્ષમય લેખનયાત્રાની વાત કરતાં ચંદુભાઈ મહેરિયાએ જણાવ્યું હતું કે તેમની લેખનસફર લોકપ્રશ્નોને વાચા આપતા ચર્ચાપત્રલેખનથી શરૂ થઈ હતી. સમાજજીવનના વિવિધ પ્રશ્નો, અસમાનતા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણાએ તેમને લેખનક્ષેત્રે સક્રિય બનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ‘ઓપન ફોરમ’થી શરૂ થયેલી આ સફર આગળ વધીને ‘દલિત અધિકાર’ જેવા સામયિકોના સંપાદન સુધી પહોંચી હતી.

ચંદુભાઈએ પોતાના સર્જન અને સંપાદનકાર્ય અંગે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે કેવી રીતે તેમની કલમમાંથી ‘અસ્મિતા’ અને ‘વિસ્ફોટ’ જેવા દલિત કાવ્યસંગ્રહો જન્મ્યા, તેમજ ‘માડી મને સાંભરે રે’, ‘સાંબરડાથી સ્વમાનનગર’, ‘આંબેડકર વિચાર’, ‘દલિત સાહિત્યની પ્રભાવી કૂચ’, ‘રૂદ્રવીણાનો ઝંકાર’ અને ‘સમાજમિત્ર’ના દલિત કાવ્યસંગ્રહ જેવા અનેક મહત્વપૂર્ણ ગ્રંથો પ્રકાશિત થયા. આ ઉપરાંત ‘ચોતરફ’ સહિતના વિવિધ સંપાદનો અને સ્વતંત્ર પુસ્તકો સુધીની તેમની સર્જનયાત્રાની હકીકતો તેમણે રસપ્રદ રીતે રજૂ કરી હતી.

શ્રોતાઓ માટે વિશેષ રસનો વિષય તેમની તાજેતરમાં અંગ્રેજીમાં પ્રકાશિત થયેલી આત્મકથા ‘Homes Without Windows’ રહી હતી. દેશના જાણીતા પ્રકાશનગૃહ દ્વારા 2026માં પ્રકાશિત થયેલી આ આત્મકથામાં સમાવિષ્ટ જીવનાનુભવો, તેના અનુવાદની પ્રક્રિયા અને પુસ્તકને મળેલા વ્યાપક આવકાર અંગે ચંદુભાઈએ વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આત્મકથા માત્ર વ્યક્તિગત જીવનકથન નથી, પરંતુ એક સમગ્ર સામાજિક સમયખંડ અને દલિત જીવનના સંઘર્ષોની સાક્ષી છે.

પોતાની નિર્ભિક અને બેબાક શૈલી માટે જાણીતા ચંદુભાઈ મહેરિયાએ કાર્યક્રમ દરમિયાન દલિત સાહિત્યની વર્તમાન સ્થિતિ, દલિત સમાજજીવનના પડકારો અને સમાજના પ્રશ્નો પ્રત્યે બેજવાબદાર બનેલા કેટલાક આગેવાનો અંગે પણ માર્મિક ટિપ્પણીઓ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દલિત સાહિત્ય માત્ર સાહિત્યિક અભિવ્યક્તિ નથી, પરંતુ તે સામાજિક ન્યાય, માનવગૌરવ અને પરિવર્તનની ચળવળ સાથે જોડાયેલું સશક્ત માધ્યમ છે. સાહિત્યકારોની જવાબદારી સમાજના વંચિત અને પીડિત વર્ગોના પ્રશ્નોને કેન્દ્રસ્થાને લાવવાની હોવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ ચંદુભાઈ મહેરિયાના અનુભવો અને વિચારોને ખૂબ રસપૂર્વક સાંભળ્યા હતા. તેમના વક્તવ્યમાં જીવનસંઘર્ષ, સાહિત્યસર્જન, સંપાદનકાર્ય અને સામાજિક પ્રતિબદ્ધતાના અનેક પ્રસંગો સંકળાયેલા હોવાથી સમગ્ર કાર્યક્રમ જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી બન્યો હતો.

આ પ્રસંગે દલિત સાહિત્ય જગતના અગ્રણી સર્જકો અને સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વશ્રી દલપત ચૌહાણ, ભી. એન. વણકર, આલોક ગુપ્તા, પ્રજ્ઞા પટેલ, અશોક શ્રીમાળી, સોમ વાઘેલા, ઘનશ્યામ ગઢવી, ડૉ. નરસિંહદાસ વણકર, ચીમનભાઈ રાઠોડ, મનોજ મકવાણા, જ્યોત્સના મકવાણા, દીપક જોષી, રાજેશ શ્રીમાળી, દિનેશ સિંહલ, તુષારકુમાર, પી. બી. મકવાણા, વસંતભાઈ જાદવ, રણજીત ગઢવી, ડૉ. દિનુ ભદ્રેસરિયા, અશ્વિનભાઈ રાઠોડ, ધિરૂભાઈ કોટવાલ, ગીરીશભાઈ મારૂ, યોગેન્દુ ચૌહાણ, આલોક આનંદ સહિત અનેક સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

‘દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર’ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દલિત સાહિત્યના ઇતિહાસ, વિકાસ અને ભાવિ દિશા અંગે વિચારમંથન કરાવતો મહત્વપૂર્ણ અવસર સાબિત થયો હતો. ચંદુભાઈ મહેરિયાની લેખનસફર અને તેમના જીવનાનુભવો નવી પેઢીના લેખકો અને સાહિત્યપ્રેમીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો વિશ્વાસ કાર્યક્રમના અંતે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

1 Comment

Leave A Reply

Please enter your comment!
Please enter your name here