ગાંધીનગરમાં દલિત સાહિત્ય વિમર્શ મંચ દ્વારા ભી.ન.વણકરની સાહિત્યયાત્રા પર ભાવસભર કાર્યક્રમ
ગાંધીનગર સ્થિત દલિત સાહિત્ય વિમર્શ મંચ દ્વારા ગુજરાતના અગ્રણી દલિત સાહિત્યકાર સ્વ. શ્રી પ્રવીણ ગઢવીની સ્મૃતિમાં વર્ષભર વિવિધ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઢવી સાહેબની દલિત સાહિત્ય પ્રત્યેની આજીવન પ્રતિબદ્ધતાને માન આપી આ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
આ શ્રેણીમાં તા. ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ, રવિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગરના સમિતિખંડ ખાતે પ્રખ્યાત દલિત સાહિત્યકાર શ્રી ભી.ન. વણકરની સાહિત્યયાત્રા અને કેફિયત વિષયક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત વસંતભાઈ જાદવે કરી હતી. તેમણે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી તેમજ શ્રી ભી.ન. વણકરનો પરિચય આપી તેમને શ્રોતાઓ સમક્ષ આમંત્રિત કર્યા હતા.

શ્રી વણકરે પોતાના વક્તવ્યમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામથી શરૂ થયેલી પોતાની સાહિત્યસફરની વિગતવાર ચર્ચા કરી. કિશોરાવસ્થાથી જ કવિતા અને સાહિત્ય પ્રત્યે ઊપજેલી લાગણી, પ્રાથમિક શિક્ષણથી લઈને રાજ્યપત્રિત અધિકારી તરીકેની સેવા અને નિવૃત્તિ પછી એડવોકેટ તરીકેની નવી સફર સુધીના અનુભવો તેમણે સ્પષ્ટ રીતે રજૂ કર્યા.

તેમણે પોતાની સાહિત્યયાત્રાના વિવિધ પડાવો, મળેલા પ્રોત્સાહનો, પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહો અને જીવનમાં આવેલા સંઘર્ષો તથા કરુણ અનુભવોને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કર્યા. પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે પોતાની અનેક રચનાઓનું વાચન પણ કર્યું, જેનાથી સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક બની ગયો.
વક્તવ્ય દરમિયાન અનેક પ્રસંગોએ તેઓ ભાવુક બન્યા હતા, છતાં આત્મસ્થિત રહી પોતાની વાત આગળ ધપાવતા રહ્યા. તેમની આ સંવેદનશીલ રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ પણ ભાવવિભોર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, દલિત, વંચિત અને પીડિત વર્ગની વ્યથા અને વેદનાને ગદ્ય અને પદ્યમાં વ્યક્ત કરનાર શ્રી ભી.ન. વણકર આજે ગુજરાતના અગ્રણી અને પ્રતિબદ્ધ સાહિત્યકાર તરીકે જાણીતા છે.
કાર્યક્રમમાં રાઘવજી માધડ, રામ જાસપુરા, નટુભાઈ પરમાર, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, સાહિલ પરમાર, ડો. નરસિંહદાસ વણકર, પ્રવીણ સુતરિયા, શૈલેષ રાઠોડ, અશ્વિનભાઈ રાઠોડ, એડ. સંદીપ જ્યોતિકર, એડ. કાન્તીભાઈ પટેલ, ધિરૂભાઈ કોટવાલ, ગીરીશભાઈ મારૂ, મૃગેશકુમાર, જયંતિ ચાવડા, એ.ટી. શેઠ, રસીકલાલ નાયક, ડો. જયંત શ્રીમાળી, ડો. ગુલાબચંદ પટેલ, હરગોવન મકવાણા, વિનોદ મકવાણા, જયેશ પરમાર (ઈડર), બી.સી. મહેતા, જીતેન્દ્ર વ્યાસ, યોગેન્દૂ ચૌહાણ, વસંત જાદવ, પી.બી. મકવાણા, તુષાર કુમાર (Jai Bheem Gujarat), મૂળજીભાઈ મકવાણા ‘મૂલાંકી’ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

jai bheem