‘દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર’ના ઉપક્રમે કવિ રમણ વાઘેલાના કાવ્યપઠન અને કેફિયતનો કાર્યક્રમ

1
128
poetry-recitation-and-plea-program-by-poet-raman-vaghela-organized-by-dalit-sahitya-vimarsh-manch-gandhinagar

‘દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર’ના ઉપક્રમે કવિ રમણ વાઘેલાના કાવ્યપઠન અને કેફિયતનો કાર્યક્રમ

‘સવાયા દલિત સાહિત્યકાર’થી જાણીતા ગુજરાતના અગ્રીમ સાહિત્યકાર, ગાંધીનગર નિવાસી, પૂર્વ સનદી અધિકારી સ્વ. શ્રી પ્રવીણ ગઢવી જેના આદ્યસ્થાપક રહ્યા છે, તે સાહિત્યિક સંસ્થા એટલે ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ – ગાંધીનગર’. માન.ગઢવી સાહેબની દલિત સાહિત્ય પ્રતિની આજીવન પ્રતિબધ્ધતાના સન્માન રૂપે આ મંચ દ્વારા પુરા વર્ષ દરમિયાન દલિત સાહિત્યના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. આ શ્રેણીમાં ગાંધીનગર નિવાસી મૂર્ધન્ય દલિત કવિ રમણ વાઘેલાના કવિતા વાંચન અને કેફિયતનો એક કાર્યક્રમ, ‘ડો.બાબાસાહેબ આંબેડકર ભવન – ગાંધીનગર’ના સમિતિખંડ ખાતે, તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાયો હતો. પ્રારંભે નટુભાઈ પરમારે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી, જ્યારે પ્રવીણ શ્રીમાળીએ આગવી શૈલીમાં અતિથિ કવિ રમણ વાઘેલાને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી રમણ વાઘેલાએ ખેડા જિલ્લાના નડિયાદ મુકામેથી આરંભાયેલી એમની સાહિત્યસફર વિશે વાત કરતાં છેક કિશોરવયથી જ એમને સાહિત્ય અને વિશેષ કરીને કવિતા પ્રતિની લાગેલી લગનની માંડીને વાત કરી હતી.

વતનમાં પ્રાથમિક શિક્ષણથી લઈ ગાંધીનગર સચિવાલયમાં ગૃહ વિભાગના નાયબ સચિવ થવા સુધીની સુદીર્ઘ સફર અને એની સમાંતરે જ વિકસેલી એમની સાહિત્યયાત્રા, એના પડાવો, મળેલા પ્રોત્સાહનો, પ્રકાશિત પુસ્તકો – કવિતાસંગ્રહો વિશે તેમજ જીવેલા જીવનમાં આવેલા પડકારો, કરુણતાઓ વિશે હ્રદયસ્પર્શી હકીકતો એમના વક્તવ્યમાં રજૂ કરી હતી. પોતાની સંખ્યાબંધ કવિતાઓને, કલાક ઉપરાંતની પોતાની કેફિયતમાં જ વણી લઈને રમણભાઈએ આખા વક્તવ્યને રસાળ બનાવ્યું હતું. જેને ઉપસ્થિત સૌ શ્રોતાઓએ માણ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દલિત-વંચિત-પીડિત વર્ગની વેદના-વ્યથાને ગદ્ય અને પદ્યમાં આલેખતા રહેલા રમણભાઈ આજે ગીત કવિ તરીકે પોંખાયા છે.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ભી.ન.વણકર, દલપત ચૌહાણ, ડો.નરસિંહદાસ વણકર, પ્રવીણ સુતરિયા, શૈલેષ રાઠોડ,અશ્વિનભાઈ રાઠોડ,નરસિંહભાઈ રોહિત, બી.સી.મહેતા, જીતેન્દ્ર વ્યાસ, યોગેન્દૂ ચૌહાણ, વસંત જાદવ, પી.બી.મકવાણા,મૂળજીભાઈ મકવાણા ‘મૂલાંકી’ સૌ ઉપસ્થિત રહ્યા હતા સાથે જય ભીમ ગુજરાતના તંત્રી તુષાર કુમારે પણ હાજરી આપી..

રમણભાઈ વાઘેલાના આ વક્તવ્યને નીચે આપેલ લિન્ક પરથી સાંભળી શકાશે. 👇●

1 Comment

Leave A Reply

Please enter your comment!
Please enter your name here